અમારુ મૂલ્ય.....
એક શેઠને ત્યાં બે નોકરાણીઓ કામ કરતી હતી. એકદિવસ એક નોકરાણીને રસ્તામાંથી હિરાનું પેકેટ મળ્યું. એણે આ પેકેટ બીજી નોકરાણીને બતાવ્યું. બીજી નોકરાણીની દાનત બગડી એટલે એણે હિરા ફેંકી દીધા અને કહ્યુ, “આ હિરા નહિ પણ કાચના ટુકડા છે”. પહેલી નોકરાણીએ એની બહેનપણીની વાત માની લીધી અને એ તો એનું કામ કરવા માટે ચાલી ગઇ.
બીજી નોકરાણીએ હરખાતા હરખાતા બધા હિરા ભેગા કરી લીધા. બીજા દિવસે બધા હિરા લઇને એ એક સોનીની દુકાને ગઇ અને કહ્યુ કે મારે આ હિરા વેંચવા છે. સોનીને નોકરાણીના પહેરવેશ પરથી સમજાય ગયુ કે આ હિરા નોકરાણીના તો નહી જ હોય એને ક્યાંકથી મળ્યા હશે અથવા કોઇના ચોર્યા હશે. હિરા અસલી છે કે નકલી એની સોનીને પણ ખબર નહોતી. સોનીએ હિરા હાથમાં લઇને જોયા અને બહાર ફેંકી દીધા. નોકરાણીને કહ્યુ, “બહેન, આ હિરા નહિ કાચના ટુકડા છે આની તો રાતી પાઇ પણ ન આવે”. નોકરાણી નિરાસ થઇને ચાલી ગઇ.
નોકરાણીના ગયા પછી સોનીએ બધા હિરા ભેગા કરી લીધા. સોની આ હિરા લઇને હિરાના મોટા વેપારી પાસે ગયો અને વેપારીને હિરા બતાવીને કિંમત કરવા કહ્યુ. વેપારી હિરાનું મૂલ્ય જાણતો હતો આમ છતા હિરા પડાવી લેવા માટે વેપારીએ પણ હિરા ખોટા છે એમ કહીને શેરીમાં ફેંકી દીધા. વેપારીએ જેવા હિરા ફેંક્યા કે એ તુટી ગયા. ભગવાન આ બધી ઘટનના સાક્ષી હતા.
ભગવાને હિરાને પુછ્યુ, “અગાઉ તમને નોકરાણી અને સોનીએ રસ્તા પર ફેંક્યા ત્યારે તમે ના તુટયા પણ આ હિરાના વેપારીએ ફેંક્યા તો પળ્વારમાં જ કેમ તુટી ગયા ?” હિરાઓએ દુ:ખી હદયે કહ્યુ, “પ્રભુ, નોકરાણી અને સોનીએ અમને ફેંકી દીધા એનાથી અમને કોઇ તકલીફ ન પડી પણ આ હિરાના વેપારીએ ફેંક્યા એટલે તુટી ગયા. પહેલા બંનેને તો અમારા મૂલ્યની ખબર નહોતી એટલે ફેંક્યા પણ આ વેપારી તો અમારુ મૂલ્ય સારી રીતે જાણતો હતો અને છતા અમને ફેંક્યા એટલે અમે તુટી ગયા.
મિત્રો, આવુ જ આપણી બધાની સાથે થાય છે. જે આપણને ઓળખતા હોય, જાણતા હોય, સમજતા હોય, આપણી સાવ નજીકના હોય એવા લોકો જ્યારે પોતાના અંગત સ્વાર્થ માટે આપણને ફેંકી દે ત્યારે આપણે પણ તુટી જઇએ છીએ. આપણાથી આ ભૂલ ના થાય એ જોવું.
Comments
Post a Comment